ભવનસ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ, જામનગર દ્વારા શૈક્ષણિક પ્રવાસનું આયોજન જામનગર, ૮ માર્ચ, ૨૦૨૫ – ભવનસ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ, જામનગર દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ૮ માર્ચ, ૨૦૨૫ના રોજ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. કોલેજની છાત્રાઓએ જુનાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ ગુજરાતી સંસ્કૃતિ અને ઈતિહાસ વિશે માહિતી મેળવી. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનીઓએ જુનાગઢના ઉપરકોટ કિલ્લો અને અન્ય પ્રખ્યાત ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. આ સ્થળોએ વિદ્યાર્થીનીઓએ જૂના યુગના સ્મારકો અને તેમના ઇતિહાસ વિશે માહિતી મેળવી તેમજ ઓઝત એડવેન્ચર પાર્ક, જુનાગઢ ખાતે છાત્રાઓએ વિવિધ રાઈડ્સ અને એડવેન્ચર એક્ટિવિટીઝનો આનંદ માણ્યો. આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓને ન માત્ર મનોરંજન મળ્યું, પરંતુ ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ઉપયોગી જ્ઞાન પણ પ્રાપ્ત થયું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ચેતનાબેન ભેંસદડીયા તથા પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં આ પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો.