ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ, જામનગર ખાતે તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ સાંજે ૬:૩૦ કલાકે કોલેજના પ્રાર્થના હૉલમાં વય નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત થતા કર્મચારીઓમાં અધ્યાપકો ડો. અનિલ દ્વિવેદી, ડો. પી. આર. રાજાણી, ડો. નીનાબેન પંડ્યા અને સપોર્ટ સ્ટાફના શાંતાબેન રાઠોડનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શરૂઆત ડો. સોમનાથ જોશી દ્વારા મંગલપ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપલ ડો. ચેતનાબેન ભેંસદડિયાએ સ્વાગત પ્રવચન આપી નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી. કોલેજના સિનિયર અધ્યાપકો દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓને બુકે અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. કોલેજ મેનેજમેન્ટ તરફથી દરેક નિવૃત્ત કર્મચારીને ૫૦ ગ્રામ ચાંદીની લગડી સ્મૃતિચિન્હ સ્વરૂપે અર્પણ કરવામાં આવી. આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકો તરફથી પણ ૨૦ ગ્રામ ચાંદીની લગડી સ્મૃતિચિન્હ સ્વરૂપે આપવામાં આવી. કાર્યક્રમ દરમ્યાન કોમર્સ ફેકલ્ટીના ડો. દક્ષાબેન ત્રિવેદી અને આર્ટસ ફેકલ્ટીના ડો. કેતન ધોળકિયાએ નિવૃત્ત થનારા અધ્યાપકો સાથેના પોતાના સંસ્મરણો હૃદયસ્પર્શી રીતે રજૂ કર્યા. કાર્યક્રમનું સંચાલન ડો. કમલેશ દેસાઇએ સુમેળભેર કર્યું, જ્યારે આભાર વિધિ ડો. વિપુલ કપૂરે રજૂ કરી. અંતે કોલેજના સમગ્ર પરિવારે સ્વરુચિ ભોજનનો આસ્વાદ લઈ, સૌએ આનંદપૂર્ણ માહોલમાં વિદાય લીધી.