ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં આર્ટસ વિભાગ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીનીઓ માટે ઓરિએન્ટેશનનું ભવ્ય આયોજન ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં ૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ આર્ટસ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે પ્રથમ વર્ષના નવપ્રવેશી વિદ્યાર્થીનીઓને આવકારવા અને તેમને કૉલેજના શૈક્ષણિક અને સાંસ્કૃતિક માળખાથી માહિતગાર કરવાના હેતુથી એક ભવ્ય અને પ્રેરણાદાયી 'ઓરિએન્ટેશન પ્રોગ્રામ' નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક પરંપરા મુજબ સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને હરિયાળા અભિગમને સાર્થક કરતા, આ વર્ષે તમામ નવપ્રવેશી વિદ્યાર્થીનીઓને છોડ (પ્લાન્ટ) ભેટ સ્વરૂપે આપીને ખૂબ જ સુંદર અને અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કૉલેજના આદરણીય પ્રિન્સિપાલશ્રી ડૉ. ચેતના મેડમ ભેંસદડીયાએ ઉપસ્થિત રહીને તમામ વિદ્યાર્થીનીઓને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. તેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિદ્યાર્થીનીઓને ઉચ્ચશિક્ષણના ક્ષેત્રે સફળતા મેળવવા, શિસ્ત જાળવવા અને કૉલેજ દ્વારા અપાતી વિવિધ તકોનો મહત્તમ લાભ ઉઠાવી પોતાના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવા માટે ખૂબ જ સુંદર અને ઉત્સાહવર્ધક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર ઓરિએન્ટેશન કાર્યક્રમનું ખૂબ જ સુંદર અને રસપ્રદ સંચાલન ડૉ. વિપુલ કપૂર સર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે પોતાની આગવી શૈલીથી કાર્યક્રમને સુચારુ રૂપે આગળ ધપાવ્યો હતો.ત્યારબાદ, કૉલેજના રિટાયર્ડ પ્રોફેસર ડૉ. અનિલ ત્રિવેદી સર દ્વારા વિદ્યાર્થીનીઓને એક વિશેષ પ્રેરણાદાયી ભાષણ આપવામાં આવ્યું હતું. તેમણે પોતાના બહોળા અનુભવનો લાભ આપતા વિદ્યાર્થીનીઓને કૉલેજ જીવનના મહત્વ અને જીવન ઘડતરના મૂલ્યો વિશે ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું. આ સાથે જ, ડૉ. કમલેશ દેસાઈ સર દ્વારા પણ વિદ્યાર્થીનીઓને પ્રેરણાદાયી ઉદબોધન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે વિદ્યાર્થીનીઓને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સખત પરિશ્રમ અને સકારાત્મક અભિગમ રાખવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં નવા આવેલા વિદ્યાર્થીઓને કૉલેજના પરિવારથી પરિચિત કરાવવા માટે ડૉ. નઝમા મેડમ અંસારીએ સમગ્ર કૉલેજ સ્ટાફનો વિગતવાર સુંદર રીતે આગવી શૈલીમાં પરિચય કરાવ્યો હતો, જેથી વિદ્યાર્થીનીઓ કૉલેજના શૈક્ષણિક વાતાવરણ સાથે સરળતાથી આત્મીયતા કેળવી શકે. સમગ્ર પ્રોગ્રામને સુવ્યવસ્થિત અને સફળ બનાવવામાં કૉલેજના તમામ સ્ટાફ મિત્રો, આર્ટસ વિભાગના અધ્યાપકો, ઉત્સાહી વિદ્યાર્થીનીઓ તેમજ NCC ના કેડેટ્સનો સાથ અને સહકાર ખૂબ જ પ્રશંસનીય રહ્યો હતો. NCC કેડેટ્સે શિસ્તબદ્ધ વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કૉલેજના આ સામૂહિક સહકાર અને સુદ્રઢ આયોજનને કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને ગરિમામય વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતમાં ડૉ. ભાવના ગામિત દ્વારા તમામ આમંત્રિતો, વક્તાઓ અને સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતી આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર હોલમાં આદરપૂર્વક રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ ગરિમાપૂર્ણ રીતે સૌ છૂટા પડ્યા હતા.